કપાયેલુ અંગ પાછું જોડાઈ શકે છે – જાણો કેવી રીતે ! – ડો. વૈભવ પટેલ દ્વારા
જાણો કેવી રીતે કપયેલું અંગ પાછું જોડાઈ શકે છે.
આ દિવાળી પર ભાઈ બીજના દિવસે એક દંપતી પોતાના નાનકડા ૯ વર્ષના બાળકને લઈને પોતાના બાઇક પર નડિયાદ તરફ જઈ રહ્યા હતા અને અચાનક એક ઇકો કારે તે બાઇકને ટક્કર મારતા થયેલા ભયાનક અકસમતના કારણે તે ૯ વર્ષના બાળકે જે ગુમાવ્યું તે જોઈને મારૂ હ્રદય કંપી ઉઠ્યું છે. આ નાનકડા ૯ વર્ષના નિર્દોષ બાળક પોતાનો પગ ગુમાવીને વિકલાંગ બન્યો. આપણે આપણી મજા કે આપના કામ જલ્દી પતાવવાની લાલચમાં કોઈ નિર્દોષ વ્યક્તિનું જીવન જોખમમાં મૂકી દઈએ છીએ કે સંઘર્ષમય બનાવી દઈએ છીએ એની આપણને કલ્પના પણ નથી હોતી. અને મને લાગે છે કે જો કદાચ લોકો પાસે પૂરતી માહિતી હોત અને સમયસર કાળજી પૂર્વક તે બાળકને હોસ્પિટલ સુધી પહોચડવામાં આવ્યો હોત તો કદાચ આ નાનકડા બાળકને ભવિષ્યના સંઘર્ષથી બચાવી શકાયું હોત. આવા સમયે ખૂબ જ જરૂરી છે કે દર્દીને પ્રથમ ૬ કલાકમાં યોગ્ય હોસ્પિટલ સુધી પહોચડવામાં આવે. આ બાળકને લોકોના અપૂરતા જ્ઞાનના કારણે પહેલા એવી હોસ્પીટલમાં લઈ જવામાં આવ્યો કે જ્યાં આ સારવાર ઉપલબદ્ધ ન હતી અને અકસ્માતના ૧૨ કલાક પછી તેને વેદ મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલ ખાત્રજ, મહેમદાવાદ મુકામે લાવવામાં આવ્યો હતો. પરંતુ આટલા સમયબાદ અંગ પ્રત્યારોપણ શક્ય નહોતું અને તેથી આ બાળકનો પગ ના બચાવી શકયો જેથી હું ખૂબ જ દિલગીર છું. અને જ્યારે મારા જ ગામ વણસોલીનો દીકરો જયારે આ મુસીબતનો શિકાર બન્યો છે તેનાથી હું ખૂબ જ નાખુશ અને દૂ:ખી છું. અને તેથી જનજાગૃતિ લાવવા માટે હું ડો. વૈભવ પટેલ આ માહિતી આપી રહ્યો છું.
આજના આ સતત દોડ-ધામ વાળા સમયમાં ઘણી વખત કોઈ પણ મશીનરી સાથે કામ કરતાં કરતાં અથવા તો કોઈ પણ પ્રકારના અકસ્માતની ઘટના દિવસે ને દિવસે વધતી જાય છે. અને ઘણી વખત આવા અકસ્માતના કારણે કોઈ પણ વ્યક્તિનું પોતાનું કોઈ શરીરનું અંગ ગુમાવી બેસે તેવા કિસ્સાઓ પણ અવાર નવાર સામે આવતા રહે છે. પરંતુ આજે મેડિકલ સાયન્સ એટલું આગળ છે કે જો અંગ કપાયાના અમુક ચોક્કસ સમય (૬ કલાક) સુધીમાં જો દર્દીને સાવચેતીથી તેના કપાયેલા અંગની પણ પૂરતી સંભાળ રાખીને જો યોગ્ય હોસ્પિટલ સુધી પહોચડવામાં આવે તો તેના અંગ પ્રત્યારોપણ(કપાયેલા અંગને ફરીથી જોડાવાની પ્રક્રિયા) કરીને ખોડ ખાપણ નિવારી શકાય છે.

આવા સમયે જો ફોટો અને વિડિયો પાડીને લોકો સુધી આ માહિતી જલ્દી પહોચાડીને હીરો બનવા કરતાં જો દર્દીની કાળજી લઈને તેને હોસ્પિટલ સુધી પહોચાડીને મદદ કરવી જોઈએ. આમ, કરીને કોઈ વ્યક્તિનું જીવનું જોખમ અથવા તેની ભવિષ્યની મુસીબત નિવારવા માટે સહભાગી બનવું જોઈએ.
આવા સમયે દર્દીને મદદ કરવા માટે ધ્યાનમાં રાખવા જેવી બાબતો.
- કપયેલા અંગને સૌ પ્રથમ ચોખ્ખા પાણીથી ધોઈ નાખવું.
- ત્યારબાદ ચોખ્ખા કપડાને ભીનું કરીને તે અંગને વીંટાળી દેવું. અને તેને એક પ્લાસ્ટિકની કોથળીમાં ભરી દેવું.
- હવે બીજી એક પ્લાસ્ટિકની થેલીમાં બરફ ભરી દેવો અને તેમાં વચ્ચે પેલા કપાયેલા અંગ વાળી થેલી મૂકી દેવી. (ખાસ નોંધ: કપાયેલા અંગને સીધું બરફની થેલીમાં મૂકવું નહીં. આ બધી વસ્તુ તમને સરળતાથી આજુ બાજુના ઘરમાં થી કે ત્યાં ભેગા થયેલા વ્યક્તિ પાસેથી મળી રહે છે.)
- હવે આ અંગ અને દર્દી બંને ને કાળજી પૂર્વક નજીકની હોસ્પિટલ કે જ્યાં ૨૪ કલાક ઓર્થોપેડિક પ્લાસ્ટિક સર્જન હાજર હોય તેવી હોસ્પીટલમાં દર્દીને લઈ જવું જોઈએ.
આ માટે વધુ માહિતીની જાણકારી માટે તમે ડૉ. વૈભવ પટેલ નો સંપર્ક ૭૭૩૭૦૬૪૯૮૧ પર કરી શકો છો.
વેદ મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલ
Share via: